ઉનાળો નજીક આવે એટલે દેશભરમાં વીજળીની માંગ ઝડપથી વધી જાય છે. એસી, કૂલર, પંખા અને ફ્રિજ સતત ચાલતા હોવાથી મહિનાના અંતે આવતું બિલ મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી ચિંતા બની જાય છે. આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકારે PM Surya Ghar Muft Bijli યોજના શરૂ કરી છે, જેના માધ્યમથી લોકોને સસ્તી અને સ્વચ્છ વીજળી આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ યોજના ફેબ્રુઆરી 2024માં શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય વિચાર ખૂબ સરળ છે — ઘરની છત પર સોલાર પેનલ લગાવો અને સૂર્યપ્રકાશમાંથી પોતે વીજળી બનાવો. આમ કરવાથી ઘરની દૈનિક વીજ જરૂરિયાતનો મોટો ભાગ પૂર્ણ થઈ શકે છે અને માસિક બિલમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બને છે. સૂર્ય ઊર્જા કુદરતી અને પ્રદૂષણમુક્ત હોવાથી પર્યાવરણ માટે પણ લાભદાયક માનવામાં આવે છે.
સબસિડીથી ઘટશે શરૂઆતનો ખર્ચ
એક સમય હતો જ્યારે સોલાર પેનલ લગાવવું ખર્ચાળ માનવામાં આવતું હતું. પરંતુ હવે આ યોજના હેઠળ સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે, જેથી સામાન્ય લોકો માટે પણ સોલાર સિસ્ટમ લગાવવી સરળ બની છે.
સરકાર સિસ્ટમની ક્ષમતા મુજબ સહાય આપે છે. અંદાજે 1 કિલોવોટ સિસ્ટમ પર લગભગ ₹30,000, 2 કિલોવોટ પર લગભગ ₹60,000 અને 3 કિલોવોટ અથવા વધુ ક્ષમતાવાળી સિસ્ટમ પર ₹78,000 સુધીની સહાય મળતી હોય છે. આ રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે, જેના કારણે શરૂઆતનો ખર્ચ ઘણો ઓછો પડી જાય છે.
દર મહિને 300 યુનિટ સુધી પોતાની વીજળી
સોલાર પેનલ લગ્યા પછી સામાન્ય પરિવાર દર મહિને અંદાજે 300 યુનિટ સુધી વીજળી પોતે બનાવી શકે છે. પરિણામે વીજ બિલમાં મોટો ઘટાડો જોવા મળે છે. કેટલીક સ્થિતિમાં વધારાની વીજળી ગ્રિડમાં મોકલીને વધારાની આવક મેળવવાની તક પણ મળે છે. એટલે આ યોજના બચત સાથે કમાણીની શક્યતા પણ ઉભી કરે છે.