ઘણા નોકરીપેશા લોકો માને છે કે PF ખાતું માત્ર નિવૃત્તિ માટેની બચત છે. પરંતુ હકીકતમાં EPF સાથે એક મોટી સુવિધા જોડાયેલી છે — ₹7 લાખ સુધીનું મફત જીવન વીમા કવર. આ લાભ EPFOની EDLI (Employee Deposit Linked Insurance) સ્કીમ હેઠળ મળે છે અને કર્મચારીને તેના માટે કોઈ પ્રીમિયમ ભરવો પડતો નથી. PF Account Holders Get Rs 7 Lakh Free
શું છે EDLI સ્કીમ?
EDLI યોજના EPFO દ્વારા આપવામાં આવતું જીવન વીમા કવર છે. EPF અને EPS સાથે મળતો આ ત્રીજો મહત્વનો લાભ છે. જ્યાં સુધી કર્મચારી EPFનો સક્રિય સભ્ય છે, ત્યાં સુધી તે આપમેળે આ વીમા સુરક્ષા હેઠળ આવરી લેવાય છે.
પ્રીમિયમ કોણ ભરે છે?
આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે કર્મચારીના પગારમાંથી કોઈ કપાત થતી નથી. નિયમ મુજબ નિયોજક કર્મચારીના બેસિક + DAના 0.5% જેટલું યોગદાન EDLIમાં જમા કરે છે. એટલે કર્મચારીઓ માટે આ વીમા સંપૂર્ણ મફત છે.
ક્યારે મળે છે વીમાનો લાભ?
કર્મચારીની નોકરી દરમિયાન જો દુર્ભાગ્યે મૃત્યુ થાય, તો તેના પરિવાર અથવા નામાંકિત વ્યક્તિને વીમાની રકમ આપવામાં આવે છે.
- ન્યૂનતમ કવર: ₹2.5 લાખ
- મહત્તમ કવર: ₹7 લાખ
PF કપાત થતી હોય તો Permanent કે Contract — બંને પ્રકારના કર્મચારીઓ આ લાભ માટે પાત્ર ગણાય છે.
કંપની બેદરકારી રાખે તો દંડ
EPFOના નિયમ મુજબ EDLI યોગદાન ભરવું કંપનીની જવાબદારી છે. જો કંપની સમયસર જમા ન કરે, તો તેના પર દર મહિને 1% દંડ વસૂલ થઈ શકે છે. આ દંડ કર્મચારી પાસેથી વસૂલ કરી શકાતો નથી.
₹7 લાખનું ગણિત કેવી રીતે બને છે?
વીમા રકમ નક્કી કરવા માટે ફોર્મ્યુલા લાગુ પડે છે:
(છેલ્લા 12 મહિનાનો સરેરાશ માસિક પગાર × 35) + (PF બેલેન્સનું 50%)
પરંતુ મર્યાદા મુજબ સરેરાશ પગાર ₹15,000 સુધી અને PF ભાગ માટે મહત્તમ ₹1.75 લાખ જ ગણાય છે. આ રીતે મહત્તમ વીમા કવર ₹7 લાખ સુધી પહોંચે છે.
દાવો કેટલા સમયમાં મળે?
નામાંકિત વ્યક્તિ દ્વારા યોગ્ય દાવો કરવામાં આવે તો નિયમ મુજબ અંદાજે 20 દિવસમાં રકમ ચુકવવાની જોગવાઈ છે.